આપણા કુળદેવી “શ્રી સિધ્ધાંબિકા માતાજી” નું પ્રાચીન અજોડ શિલ્પ અને સ્થાપત્ય કલાવાળું મંદિર
“શ્રી સિધ્ધાંબિકા માતા જેને દિશાવાળ વૈષ્ણવો “સિધ્ધમાતા” પણ કહે છે. તે અષ્ટ દુર્ગા પછીનું માતાજીનું સિદ્ધદામિની – સિદ્ધદાત્રી સ્વરૂપ છે”
શ્રી સિધ્ધાંબિકા માતાજીના પ્રાગટયની દંતકથા પ્રમાણે સિંધના રાજા હમીર સુમરોએ જુનાગઢના રાજા રા’નવઘણની બહેન જાસલનું અપહરણ કરી સિંધમાં રાખેલ. રાજા રા’નવઘણે સિંધમાંથી બહેન જાસલને છોડાવી પરત જુનાગઢ આવી રહ્યા હતા. રાજાએ પવિત્ર બનાસ નદીને કાંઠે જુનાડીસામાં પડાવ નાંખ્યો ત્યારથી સિધ્ધકાર્યની જનની શ્રી સિધ્ધાંબિકા માતાજીના ત્યાં બેસણા થયા. માન્યતા પ્રમાણે આજદીન સુધી શ્રી સિધ્ધાંબિકા માતાજી સૂક્ષ્મરૂપે હાજરા હજૂર જુનાડીસામાં બીરાજે છે. ગુજરાતના રાજમાતા મીનળદેવી પાટણથી યાત્રાએ નીકળ્યા ત્યારે ગર્ભવતી હતા. બાળકના જન્મ માટે તેમણે શ્રી સિધ્ધાંબિકા માતાજીની પ્રાર્થના કરી અને જુનાડીસા નજીક પાતાળેશ્વર મહાદેવના પવિત્ર સ્થળ પુત્રનો જન્મ થયો. પુત્ર જન્મને માતાજીની કૃપા માનીને પુત્રનું નામ સિદ્ધરાજ રાખ્યું હતું.
જુનાડીસામાં આવેલ શ્રી સિધ્ધાંબિકા માતાજીનું મંદિર કઇ સાલમાં બંધાયું તેનો ઉલ્લેખ મળતો નથી, પરંતુ જીયોલોજીક્લ ડીપાટમેન્ટના અંદાજ મુજબ ઓછામાં ઓછા ૧૦૦૦ વર્ષ પુરાણું છે. અજોડ શિલ્પ અને સ્થાપત્ય કલાવાળું, ગૌમુખી કંકણાકૃતિવાળી કમાનો, ભાવાર્થમય કારીગરી, કોતરણી કામ, મજબૂત સ્તંભો, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક એવું મંદિર ખરેખર મનોરમ્ય છે. ભારતભરમાં અલગ અલગ જગ્યાએ માતાજીના ૨૬ સ્થાનકો આવેલા છે.
ઇતિહાસ પ્રમાણે આપણા પૂર્વજો અસલ ડીસાના વતની હતા. ત્યાં રહેતા. બ્રાહ્મણો અને વૈષણવોમાં મન દુઃખ થવાથી વેરભાવ જાગ્યો અને વૈષ્ણવો ત્યાંથી બ્રહ્માજીની આજ્ઞાથી બંધાયેલ દસાડ ગામે રહેવા ગયા. તેઓ દશા દિશાવાળ કહેવાયા. કેટલાક વૈષ્ણવો દસાડ ગામથી ૨૦ ગાઉ દૂર ગયા અને ત્યાં વસ્યા તેઓ વિશા દિશાવાળ કહેવાયા. ત્યારબાદ કેટલાક વૈષ્ણવો સિદ્ધપુર, બાલીસણા, માહી, વિસનગર, પસવાદળ, મહેરવાડા, ભુણાવ, સુંઢીયા અને વાલમમાંરહેવા લાગ્યા તેઓ નવગામ દશા દિશાવાળ કહેવાયા.